Monday, December 31, 2018

2019 : માત્ર તારીખ બદલાઈ છે, જીવન તો આમ જ ચાલશે...!!!

2019 નો પ્રારંભ થયો. અને સાથે જ 21મી સદી આજે 19 વર્ષની થઈ હોય તેવું લાગે છે. પણ છેલ્લા બે વર્ષમાં 2 ઓપરેશન અને દરરોજની અનિર્ણયક સવાર પછી એટલું તો સમજી ગયો છું કે જીવનમાં દૂરનું કોઈપણ આયોજન કરવું નહીં.

જેમ ભારતીય ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીને યાદ રાખવો, 'પડશે એવી દેવાશે' તો જ તમે શાંત ચિત્તે ઊંઘી શકો છો. જે ભવિષ્ય તમારાં હાથમાં જ નથી તેના માટે શા માટે ખોટાં પ્રયત્ન કરવાના ? જેમ શતરંજની રમતમાં છેલ્લો રહેલો સિપાહી રાજાને મારીને બાજી પલટી શકે છે એમ જીવનમાં પણ છેલ્લી રહેલી આશા જ આખું જીવન પલટી નાખે છે.

મારા અમુક 'વાણિયા' દોસ્ત છે જે જીવનનો સીધો હિસાબ માંડે છે, સમય જ સમયનું કામ કરશે કારણકે 'માધવ'ની મરજી આગળ કોઈની મરજી ચાલતી નથી. અને તેનો હિસાબ એકદમ ચોખ્ખો છે જે અંધને પણ સ્પષ્ટ સમજી શકાય.

ફિલ્મ સુલતાન એક વાત શીખવે છે, જીવન એક યુદ્ધ છે અને તેનો નિયમ બોક્સિંગ રિંગના અનુસાર છે. રિંગની અંદર જે મારે છે તે નથી જીતતો પણ જે સૌથી વધુ માર ખાઈ છે તેની જીત થાય છે. જે ફરીથી ઊભો થઈને સામે વાર કરે છે તેની જીત થાય છે.

જ્યારે પણ આંતરિક રીતે તૂટવાનો ભય સતવવા લાગે ત્યારે ખુદના જ કોઈ અખંડ નિર્ણયને યાદ કરીલો આપોઆપ તમારામાં નવા પ્રાણ ફૂંકાઈ જશે.

જીવનમાં કોઈ પણ નવી પરિસ્થિતિ સામે આવી જાય ત્યારે તેનો ધીરજથી સામનો કરો કારણકે, તમારી જે માતૃભાષા છે તેને તમે જન્મથી જ નથી શીખ્યાં પણ સમયની સાથે તેમાં સુધારા વધારા કરતાં કરતાં શીખ્યા છો. તો આ પરિસ્થિતિ પણ સમય જતાં સામાન્ય બની જશે અને આ સમય પણ વીતી જ જશે. બસ લડતાં રહો

Thursday, December 27, 2018

સંબંધની પીડા

તૂટેલો સંબંધ જો પીડા આપતો હોય તો માનવું કે એ સંબંધમાં હજુ કંઈક બચ્યું છે. એ સંબંધને સજીવન થવાનો એક ચાન્સ તો આપવો જ જોઈએ.

પણ જો સંબંધ પર કોઈ પણ એક તરફથી પૂર્ણવિરામ લાગી જાય તો એ વધુ પીડા દાયક બની જાય છે.

બે સાથે મળીને જીવવાની ઈચ્છા રાખતાં સાથીમાં જો કોઈ એક પણ સાથ છોડી દે તો તેની પીડા જ અસહ્ય હોય છે.

આખરે જયારે પણ કોઈ પ્રેમ અને લાગણીની વાત આવશે અને પીડા થશે ત્યારે અવશ્ય એનો જ ચહેરો સામે આવશે.

એ કોઈ નિયમ નથી પણ સંબંધની સગાઈ છે એ કંઈ એટલી સરળતાથી તૂટે થોડી...


©પાર્થની નવરાશ 

Sunday, December 2, 2018

પોલીસના ઘરમાં ચોરી અને ચોર કોણ ??

ચૂંટણી નજીક આવે એટલે સરકારી આંકડા પર વધુ રોજગારી દેખાડવાના હેતુથી દર રવિવારે યુવાનોનું ભાવિ દાવ પર લાગે. જેના માટે કેટલાક મહેનતુ યુવાન પોતાના લાંબા સમયથી જોયેલાં સપનાં પૂર્ણ કરવા તે સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેવા માટે પહોંચી જાય પણ...

અગાઉ તલાટી
પછી TAT
અને હવે લોકરક્ષક એટલે કોન્સ્ટેબલ
પરીક્ષાના નામ પર વિદ્યાર્થીઓ સાથે ચેડા અને કેટલાંક વણ ઉકેલાયેલા પ્રશ્નો...

ચાલો આરોપબાજી તો ચાલશે જ પણ કોઈ એ ન ભૂલે હાલ દેશમાં 'ગુજરાત વિકાસ મૉડેલ' છે.
અને 8,76,356 ઉમેદવારો પરીક્ષા આપવના હતા તેમની શું ભૂલ ?

સરકાર તપાસ કરશે અને પરીક્ષા પણ પાછી લેવામાં આવશે અને વિદ્યાર્થીઓની આજે થયેલી હડમારીનો મુખ્ય મુદ્દો ક્યાંક ભુલાઈ જશે.
રાજ્ય સરકારને એક જ સવાલ દર વખતે કેમ વિદ્યાર્થીઓને જ નિરાશા મળે છે?

અગાઉ જ્યારે પણ આ પ્રકારની ઘટના બની છે સરકારે તપાસના આદેશ આપ્યા છે અને કડક પગલાં લેવામાં આવશે તેવી વાત કરી છે પણ ક્યાં અને કેટલાં કડક પગલાં લેવામાં આવ્યા છે?

વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરરીતી ન આચરે તે માટે CCTV અને બાયોમેટ્રિક સીસ્ટમ ગોઠવવામાં આવે છે પણ પેપર લીક ન થાય તે માટે કેમ કોઈ વ્યવસ્થા ન કરવામાં આવે?

એટલે ફરી એક સવાલ જ્યારે પણ આ પ્રકારની સ્થિતિ સર્જાઈ ત્યારે મોટી મોટી વાતો કરવામાં આવે અરે online પરીક્ષા લેવામાં આવશે એવું પણ કહેવામાં આવે અને અંતે ફરી કોઈ કૌભાંડ અને અંતે કોર્ટ કેસ અને વાત પૂર્ણ.

પરીક્ષા આપવા ગયેલા નવ યુવાન દોસ્તોને એટલું જ કહીશ કે, આ સમય પણ વીતી જશે. તમારી મેહનત આડે ન જાય.