Monday, December 31, 2018

2019 : માત્ર તારીખ બદલાઈ છે, જીવન તો આમ જ ચાલશે...!!!

2019 નો પ્રારંભ થયો. અને સાથે જ 21મી સદી આજે 19 વર્ષની થઈ હોય તેવું લાગે છે. પણ છેલ્લા બે વર્ષમાં 2 ઓપરેશન અને દરરોજની અનિર્ણયક સવાર પછી એટલું તો સમજી ગયો છું કે જીવનમાં દૂરનું કોઈપણ આયોજન કરવું નહીં.

જેમ ભારતીય ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીને યાદ રાખવો, 'પડશે એવી દેવાશે' તો જ તમે શાંત ચિત્તે ઊંઘી શકો છો. જે ભવિષ્ય તમારાં હાથમાં જ નથી તેના માટે શા માટે ખોટાં પ્રયત્ન કરવાના ? જેમ શતરંજની રમતમાં છેલ્લો રહેલો સિપાહી રાજાને મારીને બાજી પલટી શકે છે એમ જીવનમાં પણ છેલ્લી રહેલી આશા જ આખું જીવન પલટી નાખે છે.

મારા અમુક 'વાણિયા' દોસ્ત છે જે જીવનનો સીધો હિસાબ માંડે છે, સમય જ સમયનું કામ કરશે કારણકે 'માધવ'ની મરજી આગળ કોઈની મરજી ચાલતી નથી. અને તેનો હિસાબ એકદમ ચોખ્ખો છે જે અંધને પણ સ્પષ્ટ સમજી શકાય.

ફિલ્મ સુલતાન એક વાત શીખવે છે, જીવન એક યુદ્ધ છે અને તેનો નિયમ બોક્સિંગ રિંગના અનુસાર છે. રિંગની અંદર જે મારે છે તે નથી જીતતો પણ જે સૌથી વધુ માર ખાઈ છે તેની જીત થાય છે. જે ફરીથી ઊભો થઈને સામે વાર કરે છે તેની જીત થાય છે.

જ્યારે પણ આંતરિક રીતે તૂટવાનો ભય સતવવા લાગે ત્યારે ખુદના જ કોઈ અખંડ નિર્ણયને યાદ કરીલો આપોઆપ તમારામાં નવા પ્રાણ ફૂંકાઈ જશે.

જીવનમાં કોઈ પણ નવી પરિસ્થિતિ સામે આવી જાય ત્યારે તેનો ધીરજથી સામનો કરો કારણકે, તમારી જે માતૃભાષા છે તેને તમે જન્મથી જ નથી શીખ્યાં પણ સમયની સાથે તેમાં સુધારા વધારા કરતાં કરતાં શીખ્યા છો. તો આ પરિસ્થિતિ પણ સમય જતાં સામાન્ય બની જશે અને આ સમય પણ વીતી જ જશે. બસ લડતાં રહો

Thursday, December 27, 2018

સંબંધની પીડા

તૂટેલો સંબંધ જો પીડા આપતો હોય તો માનવું કે એ સંબંધમાં હજુ કંઈક બચ્યું છે. એ સંબંધને સજીવન થવાનો એક ચાન્સ તો આપવો જ જોઈએ.

પણ જો સંબંધ પર કોઈ પણ એક તરફથી પૂર્ણવિરામ લાગી જાય તો એ વધુ પીડા દાયક બની જાય છે.

બે સાથે મળીને જીવવાની ઈચ્છા રાખતાં સાથીમાં જો કોઈ એક પણ સાથ છોડી દે તો તેની પીડા જ અસહ્ય હોય છે.

આખરે જયારે પણ કોઈ પ્રેમ અને લાગણીની વાત આવશે અને પીડા થશે ત્યારે અવશ્ય એનો જ ચહેરો સામે આવશે.

એ કોઈ નિયમ નથી પણ સંબંધની સગાઈ છે એ કંઈ એટલી સરળતાથી તૂટે થોડી...


©પાર્થની નવરાશ 

Sunday, December 2, 2018

પોલીસના ઘરમાં ચોરી અને ચોર કોણ ??

ચૂંટણી નજીક આવે એટલે સરકારી આંકડા પર વધુ રોજગારી દેખાડવાના હેતુથી દર રવિવારે યુવાનોનું ભાવિ દાવ પર લાગે. જેના માટે કેટલાક મહેનતુ યુવાન પોતાના લાંબા સમયથી જોયેલાં સપનાં પૂર્ણ કરવા તે સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેવા માટે પહોંચી જાય પણ...

અગાઉ તલાટી
પછી TAT
અને હવે લોકરક્ષક એટલે કોન્સ્ટેબલ
પરીક્ષાના નામ પર વિદ્યાર્થીઓ સાથે ચેડા અને કેટલાંક વણ ઉકેલાયેલા પ્રશ્નો...

ચાલો આરોપબાજી તો ચાલશે જ પણ કોઈ એ ન ભૂલે હાલ દેશમાં 'ગુજરાત વિકાસ મૉડેલ' છે.
અને 8,76,356 ઉમેદવારો પરીક્ષા આપવના હતા તેમની શું ભૂલ ?

સરકાર તપાસ કરશે અને પરીક્ષા પણ પાછી લેવામાં આવશે અને વિદ્યાર્થીઓની આજે થયેલી હડમારીનો મુખ્ય મુદ્દો ક્યાંક ભુલાઈ જશે.
રાજ્ય સરકારને એક જ સવાલ દર વખતે કેમ વિદ્યાર્થીઓને જ નિરાશા મળે છે?

અગાઉ જ્યારે પણ આ પ્રકારની ઘટના બની છે સરકારે તપાસના આદેશ આપ્યા છે અને કડક પગલાં લેવામાં આવશે તેવી વાત કરી છે પણ ક્યાં અને કેટલાં કડક પગલાં લેવામાં આવ્યા છે?

વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરરીતી ન આચરે તે માટે CCTV અને બાયોમેટ્રિક સીસ્ટમ ગોઠવવામાં આવે છે પણ પેપર લીક ન થાય તે માટે કેમ કોઈ વ્યવસ્થા ન કરવામાં આવે?

એટલે ફરી એક સવાલ જ્યારે પણ આ પ્રકારની સ્થિતિ સર્જાઈ ત્યારે મોટી મોટી વાતો કરવામાં આવે અરે online પરીક્ષા લેવામાં આવશે એવું પણ કહેવામાં આવે અને અંતે ફરી કોઈ કૌભાંડ અને અંતે કોર્ટ કેસ અને વાત પૂર્ણ.

પરીક્ષા આપવા ગયેલા નવ યુવાન દોસ્તોને એટલું જ કહીશ કે, આ સમય પણ વીતી જશે. તમારી મેહનત આડે ન જાય.

Sunday, November 4, 2018

કોને ખબર હતી...

કોને ખબર હતી...

સપના પૂરા કરવા માટે ઘરથી નીકળ્યા હતાં,
કોને ખબર હતી કે ઘરે જવું જ એક સપનું બની જશે.

કંઈક નવું મેળવવા માટે ઘરથી નીકળ્યા હતા,
કોને ખબર હતી કે દુનિયા જીતી લઈશું પણ ઘર જ હારી જઈશું.

માતાની કેટલીય માનતાઓ પછી દીકરાને નોકરી લાગી,
કોને ખબર હતી કે દિવાળી મનાવવા માટે એજ ઘરે ન આવી શકશે...

©પાર્થની નવરાશ

Monday, August 20, 2018

God's own country ની દુર્દશા માટે જવાબદાર કોણ?

કેરળમાં પૂરે વિનાશ વેર્યો છે. ઈશ્વરની ભૂમિ પર માણસ લાચાર બન્યો છે. આ વિકરાળ વિનાશમાં ઘણાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને હજારો કરડોની સંપત્તિને નુકસાન થઈ રહ્યું છે. સદીની સૌથી વિનાશક પૂરથી સમગ્ર દેશમાં ભયનો માહોલ છે. (અગાઉની કેદારનાથની ભૂલથી પણ શીખ લીધી નથી)આ ભયાનક પૂર પછી એક સવાલ થઇ રહ્યો છે કે શું આ વાસ્તવમાં કુદરતી હોનારત છે કે પછી માનવી દ્વારા કરવામાં આવેલ કૃત્ય છે.

8 અને 9 ઓગસ્ટથી શરૂ થયેલા વરસાદના કારણે ભયાનક પૂરની સ્થિતિ ઉભી થઇ છે. ભારે વરસાદની સાથે ભૂસ્ખલથી વાહનવ્યવહારમાં પણ મુશ્કેલીઓ ઊભી થઇ રહી છે. આ અંગે વેસ્ટર્ન ઘાટ એક્સપર્ટ ઈકોલોજી પેનલના રિપોર્ટ (WGEEP) અનુસાર, અહીંની ભૌગોલિક સ્થિતિને જોતા એવું સ્પષ્ટ રીતે જાણવા મળે છે કે પરિસ્થિતિ ઘણી જ સંવેદનશીલ છે. અહીંના ક્ષેત્રમાં વિસ્મતલ વિસ્તારના કારણે વરસાદ થી પણ વધુ નુકસાન થયું છે. જો કે રાજ્ય સરકાર તરફથી આ બાબત પર સહેજ પણ ધ્યાન આપવામાં આવ્યું નથી. જ્યાં પણ રાજકારણ જ જવાબદાર છે.

અગાઉ જે રિપોર્ટ આવ્યો હતો તેના માટે ઇડ્ડુકી અને થમારાસેરી બંને વિસ્તાર માટે UDF સરકારે તો હદ કરી હતી કે તેને એક પ્રસ્તાવ લાવીને આ રિપોર્ટને જ ખોટો સાબિત કર્યો હતો, અને તેમાં એવું કહેવામાં આવ્યું હતું કે, આ સામાન્ય લોકોના વિરોધમાં છે.

છેલ્લા 10 દિવસોમાં વરસાદના કારણે જે સ્થિતિ થઈ છે તેમાં સૌથી વધુ નુકસાન વાયાંડ અને ઇડ્ડુકીમાં જ થયું છે. મુન્નાર, થમારાસેરી, વાઇથિરી અને તિરૂવામબડી  પણ આફત ઓછી નથી. WGEEP તરફથી આ વિસ્તારોને પરિસ્થિતિના હિસાબે સૌથી સંવેદનશીલ ગણાવ્યા છે. જેમાં આગામી સમયમાં વધુ નુકસાન થઇ શકે છે.

આ રિપોર્ટ અનુસાર, કેરળના સૌથી વધુ ગેરકાયદેસર ઇમારતો ઝોન -1માં આવેલ છે. જ્યાં સૌથી વધુ 15 તાલુકા છે. જ્યારે ઝોન-2માં 2 અને ઝોન-3માં 8 તાલુકા છે. ઇડ્ડુકી ઝોન-1માં આવે છે અને ત્યાં સૌથી વધુ ગેરકાયદેસરે ઇમારાત આવેલ છે. વાયાંડના મુન્નારમાં પણ ઘણાં રિસોર્ટ છે અને ત્યાં મેઘ તાંડવના કારણે ઘણું નુકસાન થયું છે.

હવે સ્થાનિક લોકોએ સમજવાની જરૂર છે કે, WGEEPનો રિપોર્ટ વિકાસના વિરોધમાં નથી અને જે અગાઉ કોંગ્રેસ નેતા અને ચર્ચો તરફથી રજુઆત કરવામાં આવી હતી તે બકવાસ જ છે. હવે ઝોન-2 અને ઝોન-3માં નવા વિકાસના કામો માટે પરવાનગી આપવામાં આવી રહી છે અને તેના કારણે સ્થિતિ વધુ વિકરાળ રૂપ ધારણ કરી શકે છે.

જો ભૌગોલિક પરિસ્થિતિને સમજવામાં આવે તો, ઝોન-1માં જંગલ વિસ્તાર છે અને તે વેસ્ટર્ન ઘાટથી ઘણો નજીક આવેલો છે. અહીંની જમીન જંગલિય વિસ્તાર હોવાના કારણે વધુ ઉપયોગમાં આવી શકે તેમ નથી. અને ત્યાં ગામ વસાવવામાં આવ્યા છે અને લોકોને રહેવાની પરવાનગી આપવામાં આવી છે અને અહીં નવા રસ્તા અને સામાન્ય લોકોને સુવિધાઓની પરવાનગી આપવામાં આવી છે. જેનું પરિણામ હાલમાં જોવા મળી રહ્યું છે.

ઝોન-2માં આવેલ હોટલ અને રિસોર્ટમાં ફેરફાર કરવા માટે પરવાનગી આપવામાં આવી છે. જ્યારે ઝોન-3માં ખેતી સિવાયની પ્રવૃતિ માટે પરવાનગી આપવામાં આવી છે. જેના માટે સામાજિક અને આર્થિક બાબાતોને ધ્યાનમાં લેવામાં આવે છે. WGEEP પેનલના હેડ તરફથી કહેવામાં આવ્યું છેકે, આપણે એ સમજવાની જરૂરત છે કે, વેસ્ટર્ન ઘાટની આસપાસ એવો બફર ઝોન બનાવવો જોઇએ જે સુરક્ષિત હોય. જો તેને સુરક્ષિત કરવામાં ન આવશે તો ભૂસ્ખલન અને પૂરાના કારણે વધુ લોકોનો ભોગ લેવાતો રહેશે.

એટલું જ નહીં રાજ્ય સરકારે વિકાસ માટે આ બે જિલ્લામાં 1700 જેટલી ગેરકાયદેસર ગ્રેનાઇટક્રસિંગ યુનિટસને પરવાનગી આપી છે. પર્યાવરણ વિશેષજ્ઞોનું માનવું છે કે જળવાયું પરિવર્તનથી થનારી મુશ્કેલીઓ, કમોસમી વરસાદ અને વાદળ ફાટવાની ઘટના રોકવાના બદલે રાજ્ય સરકારે ભૂમિ ખન્નની પરવાનગી આપીને મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. તેમજ સ્થાનિક નિવાસોના 50 મીટરના વિસ્તારોમાં પણ ખન્ન માટે પરવાનગી આપી છે. જે જોતાં ભૂસખ્લન વિશેષ જોવા મળી રહ્યું છે.

જો આ પ્રમાણે જ સરકાર દ્વારા કુદરત સાથે ચેળા કરવામાં આવતાં રહેશે તો આગામી સમયમાં કુદરતનો તાંડવ વધુને વધુ વિકરાળ બનતો જશે. હવે પરિસ્થિતિના ઉદાહરણ સ્વરૂપે લગભગ તમામ સ્થાનો પર વરસાદની વિસમતા જોવા મળી રહી છે જેના પરિણામે કુદરતની કદર કરતાં શીખીએ તો ઘણું...

Saturday, August 11, 2018

અમદાવાદમાં દબાણ હટાવો એક દુરદર્શીતા

હાલમાં અમદાવાદ શહેરમાં પોલીસ અને amc કમિશ્નર તરફથી શહેરના રસ્તાઓ પર રહેલા ગેરકાયદેસર બાંધકામને હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ સમયે બાળપણમાં નાનો હતો ત્યારે, આશરે 7 કે 8 વર્ષની ઉંમરમાં સુરતમાં આ પ્રક્રિયા ચાલી રહી હતી એ ઘટના યાદ આવી ગઈ છે.

વાત 1995 આસપાસની છે તે સમયે સુરતના વિવિધ સ્થાનો પર ડિમોલિશનની કામગીરી ચાલી હતી તેમાં પણ કહેવાતા રાજમાર્ગ એટલે કે ચોક ચાર રસ્તાથી ભાગળ ચાર રસ્તા સુધીના માર્ગ પર વિશેષ કામગીરી હતી. આ સ્થળો પર આવેલી દુકાનો પર દબાણ હટાવવા માટે તે સમયના સુરતના SMC કમિશ્નર એસ આર રાવ અને પોલીસ કમિશ્નર પી સી પાંડે દ્વારા જોરદાર કવાયત હાથ ધરવામાં આવી હતી. કામગીરી એટલી અદભુત હતી કે લોકો આ બંને જાંબાઝ ઓફિસરને જોવા માટે ડિમોલિશનના સ્થળો પર દોડી આવતાં હતા, હું પણ તેમનો એક હતો. તે સમયે ખબર નહીં હતી કે સુપર હીરો આજ લોકો છે, જે લોકોની તકલીફ દૂર કરવાનુ કામ કરે છે.

જો વાત કામગીરીની કરવામાં આવે તો આજના ખુબસુરત સુરતની પહેલી ઈંટ આ સમયગાળા દરમિયાન જ મુકવામાં આવી હતી. શહેરના લગભગ દરેક સ્થળો પર દબાણ હટાવવામાં આવ્યા હતા. શું મંદિર, શું મસ્જિદ કે શું શાળા કે મોટી પ્રખ્યાત હોટલ કે મોટા શૉરૂમ તમામને એક જ લાકડીએ હાંકી કાઢ્યા હતા અને શહેરના માર્ગો વિસ્તારવાનું કામ આબેહૂબ કર્યું હતું.
મને એક બે કિસ્સા યાદ છે જે કદાચ સુરતના ઘણાં લોકોને યાદ હશે જ કે સુરતના ભાગળ ચાર રસ્તા પર મુસ્લિમ સમુદાયની મસ્જિદ આવી છે અને તે રસ્તામાં ઘણી જ અડચણ રૂપ હતી પણ બંને અધિકારો તેને માન ભેર હટાવવા માંગતા હતા. પણ ઉલટાનું મસ્જિદના મૌલા દ્વારા જ સામેથી સહકાર આપવામાં આવ્યો અને મસ્જિદને શાંતિથી હટાવવામાં આવી. ધાર્મિક સ્થાનોને પણ એટલું જ માન અને આદર મળ્યું છે અને જે રીતે ખોટાં બાંધકામ થયાં હતા એમને પૂરતો દંડ અને ડિમોલિશન મળ્યું છે.

આજે 20 વર્ષ પછી હું અમદાવાદમાં છું અને ત્યારે ફરી બે જાંબાઝ ઓફિસર, AMC કમિશ્નર વિજય નેહરા અને પોલીસ કમિશ્નર એ કે સિંહ દ્વારા શહેરના ટ્રાફિકની સમસ્યા માટે મોટું ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે. જે આગામી સમયમાં શહેર માટે ખરેખર યાદગાર અને લાભદાયક બનશે.(જો તેમની બદલી ના થઈ તો ?) કોઈ પણ શહેરના નિર્માણ માટે યોગ્ય પ્લાનિંગ અને નિષ્ઠાવાન અધિકારીઓની જરૂર હોય છે. અને અમદાવાદ જેવાં મેટ્રો સિટીને બંને એક સાથે મળ્યા છે. જેનો લાભ શહેરના લોકોને જ મળવાનો છે. આશા રાખીએ કે રાજકારણને બાજુમાં રાખી શહેરના વિકાસને નવી દિશા મળે જેથી અમદાવાદ અદ્ભૂત બની રહે....

સુરતને ખુબસુરત બનાવવાની ખોટી દોડ

આજે અમદાવાદ શહેરમાં દબાણ હટાવવાનું કામ જે ઝડપથી અને જે પ્લાનિંગ સાથે થઈ રહ્યું છે તે જોતા આગામી સમયમાં લોકો અમદાવાદની નેહરા અને સિં ની જોડીને ચોક્કસ યાદ કરશે. શહેરના લગભગ તમામ સ્થાનો પર દબાણ હટાવવાની ઝુંબેશ પુર જોશથી ચાલી રહી છે. તમામ શોપિંગ કોમ્પ્લેક્ષની બહાર યોગ્ય પાર્કિંગની વ્યવસ્થા માટેની સૂચના આપવામાં આવી રહી છે. તો amc તરફથી હવે નવા મલ્ટી લેયર પાર્કિંગ ઉભા કરવાની વિચારણા હાથ ધરવામાં આવી છે.(જે સુરતમાં ઘણાં અંશે સુપર હિટ રહ્યું છે)
આ દબાણ હટાવવાની ક્રિયા વચ્ચે સુરત અવાનું થયું ત્યારે મારી નજર શહેરમાં બ્યુટીફીકેશનના નામે નવી બનવેલી ફૂટપાથ પર પડી. સુરતમાં અડાજણ, ઘોડદોડ રોડ, વરાછા, પીપલોદ સહિત ઘણાં સ્થાનો પર બસ સ્ટેશનની સાથે નવી ફૂટપાથ બનાવવમાં આવી રહી છે. જો કે સુરતવાસીઓને યાદ જ હશે કે અગાઉ smc, સુરત માનપા દ્વારા ઝીરો ફૂટપાથ હેઠળ જાહેર માર્ગો પરથી તેને તોડવામાં આવી હતી અને હવે બ્યુટીફીકેશનના નામ પર નવી બનાવવામાં આવી રહી છે. સરસ સુરતીઓ એમ પણ ટેક્સ ભરવામાં અવ્વલ જ છે તો છો ને પૈસાનો વ્યય થતો.
ચાલો સ્માર્ટ સીટી માટે એ જરૂરી હશે પણ લોકોને હાલાકીનો સામનો કરવો પડે તે સ્થિતિમાં કેટલું યોગ્ય છે તે આગામી સમયમાં ખબર પડશે જ. અમુક સ્થાનો પર રસ્તા નાના છે અને ત્યાં આ પ્રકારની ફૂટપાથ ક્યાં પ્રકારની દુરદર્શિતા છે તે સમજાતી નથી. જો પ્રસાશન એમ માનતું હોય કે ટ્રાફિક ન થાય તો એ તેમને આગામી સમયમાં ચોક્કસ ખબર પડશે જ. કેમકે જે સરદાર બ્રિજને 15 વર્ષ પહેલાં નવો બનવવાની વાત કરવમાં આવી હતી ત્યાં આજે વધારેના પંખીયા જોડવામાં આવી રહ્યા છે અને તેમાં પણ સ્લેબમાં ગાબડાં પાડવાનો દોર ચાલું જ છે.
અમદાવાદ જેવાં જુના શહેરમાં જયારે BRTS બસની સેવા શરૂ થઈ ત્યારે ત્યાંના નેરો રોડના કારણે લોકોનો ઘણો વિરોધ હતો પણ સમય જતાં લોકોએ BRTS નો વપરાશ વધુ કર્યો અને હાલમાં હવે મેટ્રો આવી રહી છે ત્યારે તે પહેલાંજ શહેરમાંથી દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે.
હવે તો સુરતના લોકો એ જ તંત્રને બ્યુટીફીકેશનના નામે કોની સુંદરતા વધી રહી છે તે સવાલ કરવો જોઈએ. બાકી આગામી સમયમાં ફરી સુરતમાં પણ દબાણ હટાવવો ઝુંબેશ શરૂ થાય તો નવાઈ નહીં...

Saturday, July 7, 2018

સાચાં મિત્રની સાચી ઓળખ

દુનિયાના દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઈએ, કે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી શકે કેમકે એક મિત્ર એ એવી વ્યક્તિ છે કે જે તમારા હૃદયમાં ગુંજતા ગીત ને જાણે છે, અને એ ગીતને ત્યારે યાદ કરાવે છે જ્યારે તમે ગીતના શબ્દો ભુલી જાઓ છો...

પણ જ્યારે મિત્ર તમારી અંગત વાત દુનિયા સામે જાહેર કરવા લાગે ત્યારે સમજી લેજો કે તમે મિત્ર નહીં પરંતુ એક દુશ્મનને સાથે રાખ્યો છે. જે માત્ર તમારી કમજોરીને તાકાત નહીં પરંતુ મજાક બનાવમાં વધુ રસ રાખે છે. એ ખરેખર યોગ્ય છે?

એક વાત સમજવા જેવી છે કે, ભલે સંબંધ મિત્રતાનો હોય તો પણ તકલીફ બેમાંથી કોઈ ને પણ થાય અસર જરૂરથી બંનેની લાગણીઓ પર થાય છે... અને એજ ખરી મિત્રતા

જો કે અંગત રીતે એવું માનવું છે કે દરેક વ્યક્તિના જીવનમાં સૌથી સારો અથવા ક્યારેય સાથ ન છોડનાર મિત્ર એ એક પુસ્તક જ હોય છે. જે તમને દુઃખમાં તાકાત અને સુખમાં ધીરજ અને ધૈર્ય આપે છે. આ બંને જ જરૂરી છે. કેમકે અંધારો હોય તો અજવાળું થવાનું જ છે અને અજવાળું છે તો અંધારું થવાનું જ છે.  

જો કે આ બંને જ સમયમાં ભલે તમારી સાથે ગમે તેટલા સારા મિત્ર હોય પણ અંતિમ લડાઈ તમારે એકલા એ જ લડવાની હોય છે. મિત્રતો માત્ર તમારી હિંમત જ હોય છે અને એ ઘણી વખત જીવનનું સૌથી મોટું પાસું બની જાય, નહીં...???


Monday, July 2, 2018

વરસાદની ઋતુ અને હું...

ચોમાસું લગભગ દરેકને ગમતી ઋતુ હોય છે પણ મને જરા ઓછું ગમે કેમ કે ભીનાશ આપણે બહારથી ભીંજવે જ્યારે અંદરની ભીનાશ અકબંધ રહે છે.... 

જીવનમાં પણ એવું જ છે ક્યારેક કોઈ ક્ષણિક આવીને ભીંજવી જાય છે, જ્યારે જરૂર જીવનભરના સહવાસ અને બારેમાસના વરસાદની હોય છે... 

એ જ વાત છે જેટલું જ્યાં થી જરૂરી છે તેટલું સંગ્રહ થાય કરી લેવું અને બાકીનું સંસારના સાગરમાં વહી જવા દેવું જોઈએ...

વરસાદની વાર્તા ઘણી હોય પણ વરસાદ ક્યારેક તમારી અંદરની એજ વાર્તાને જાહેરમાં કહ્યા વગર ચાલતાં રહો તો તમારી આંખનું પાણી અને વરસાદ એકમેકને મળીને પોતાની વાતને સમર્થન આપે છે...

એટલું જ નહીં વધુ પડતો વરસાદ ક્યારેક અતિવૃષ્ટિનું સર્જન કરે છે અને તેના કારણે પણ નુકસાન મોટું થાય છે.

પણ એક સવાલ અવશ્ય થાય છે કે વરસાદની તેમાં શું ભૂલ? એ તો માત્ર કાળનો નિમિત્ત છે જેના નિર્માતા તો ક્યાંક બીજું છે અને તેના થી જે પણ નિર્માણ થશે તેમાં તો તે લેશ માત્રનો ભાગીદાર છે. 

બીજી તરફ વરસાદ કવિતાની ઋતુ છે કેટલીય કવિતાઓને વરસાદે શબ્દ આપ્યા છે તો પ્રેમિકાની લાગણીને વાચા આપી છે તો ક્યારેક ધરતીને ઠંડકની લાગણી આપી છે...

વાસ્તવમાં થોડું તો સૌ ને ગમે પણ અતિ ક્યારેક વિનાશક બને એ સમજુ છું. એટલે મને થોડો ઓછો ગમે... વરસાદ