Saturday, August 11, 2018

અમદાવાદમાં દબાણ હટાવો એક દુરદર્શીતા

હાલમાં અમદાવાદ શહેરમાં પોલીસ અને amc કમિશ્નર તરફથી શહેરના રસ્તાઓ પર રહેલા ગેરકાયદેસર બાંધકામને હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ સમયે બાળપણમાં નાનો હતો ત્યારે, આશરે 7 કે 8 વર્ષની ઉંમરમાં સુરતમાં આ પ્રક્રિયા ચાલી રહી હતી એ ઘટના યાદ આવી ગઈ છે.

વાત 1995 આસપાસની છે તે સમયે સુરતના વિવિધ સ્થાનો પર ડિમોલિશનની કામગીરી ચાલી હતી તેમાં પણ કહેવાતા રાજમાર્ગ એટલે કે ચોક ચાર રસ્તાથી ભાગળ ચાર રસ્તા સુધીના માર્ગ પર વિશેષ કામગીરી હતી. આ સ્થળો પર આવેલી દુકાનો પર દબાણ હટાવવા માટે તે સમયના સુરતના SMC કમિશ્નર એસ આર રાવ અને પોલીસ કમિશ્નર પી સી પાંડે દ્વારા જોરદાર કવાયત હાથ ધરવામાં આવી હતી. કામગીરી એટલી અદભુત હતી કે લોકો આ બંને જાંબાઝ ઓફિસરને જોવા માટે ડિમોલિશનના સ્થળો પર દોડી આવતાં હતા, હું પણ તેમનો એક હતો. તે સમયે ખબર નહીં હતી કે સુપર હીરો આજ લોકો છે, જે લોકોની તકલીફ દૂર કરવાનુ કામ કરે છે.

જો વાત કામગીરીની કરવામાં આવે તો આજના ખુબસુરત સુરતની પહેલી ઈંટ આ સમયગાળા દરમિયાન જ મુકવામાં આવી હતી. શહેરના લગભગ દરેક સ્થળો પર દબાણ હટાવવામાં આવ્યા હતા. શું મંદિર, શું મસ્જિદ કે શું શાળા કે મોટી પ્રખ્યાત હોટલ કે મોટા શૉરૂમ તમામને એક જ લાકડીએ હાંકી કાઢ્યા હતા અને શહેરના માર્ગો વિસ્તારવાનું કામ આબેહૂબ કર્યું હતું.
મને એક બે કિસ્સા યાદ છે જે કદાચ સુરતના ઘણાં લોકોને યાદ હશે જ કે સુરતના ભાગળ ચાર રસ્તા પર મુસ્લિમ સમુદાયની મસ્જિદ આવી છે અને તે રસ્તામાં ઘણી જ અડચણ રૂપ હતી પણ બંને અધિકારો તેને માન ભેર હટાવવા માંગતા હતા. પણ ઉલટાનું મસ્જિદના મૌલા દ્વારા જ સામેથી સહકાર આપવામાં આવ્યો અને મસ્જિદને શાંતિથી હટાવવામાં આવી. ધાર્મિક સ્થાનોને પણ એટલું જ માન અને આદર મળ્યું છે અને જે રીતે ખોટાં બાંધકામ થયાં હતા એમને પૂરતો દંડ અને ડિમોલિશન મળ્યું છે.

આજે 20 વર્ષ પછી હું અમદાવાદમાં છું અને ત્યારે ફરી બે જાંબાઝ ઓફિસર, AMC કમિશ્નર વિજય નેહરા અને પોલીસ કમિશ્નર એ કે સિંહ દ્વારા શહેરના ટ્રાફિકની સમસ્યા માટે મોટું ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે. જે આગામી સમયમાં શહેર માટે ખરેખર યાદગાર અને લાભદાયક બનશે.(જો તેમની બદલી ના થઈ તો ?) કોઈ પણ શહેરના નિર્માણ માટે યોગ્ય પ્લાનિંગ અને નિષ્ઠાવાન અધિકારીઓની જરૂર હોય છે. અને અમદાવાદ જેવાં મેટ્રો સિટીને બંને એક સાથે મળ્યા છે. જેનો લાભ શહેરના લોકોને જ મળવાનો છે. આશા રાખીએ કે રાજકારણને બાજુમાં રાખી શહેરના વિકાસને નવી દિશા મળે જેથી અમદાવાદ અદ્ભૂત બની રહે....

No comments:

Post a Comment